દાહોદ: ખાખીની આડમાં દારૂનો ‘ધંધો’, કોન્સ્ટેબલ જ કરતા હતા હેરાફેરી અને પાયલોટિંગ
દાહોદ: ખાખીની આડમાં દારૂનો ‘ધંધો’, કોન્સ્ટેબલ જ કરતા હતા હેરાફેરી અને પાયલોટિંગ
દાહોદ:
‘વાડ જ ચીભડા ગળે’ કહેવતને સાર્થક કરતો એક ચોંકાવનારો કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે. દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે હોવાના કારણે અહીંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી સતત થતી રહે છે. આ પરિસ્થિતિમાં બૂટલેગરો પર નજર રાખનારી પોલીસ જ હવે દારૂના ધંધામાં સંડોવાઈ ગઈ હોવાનો ગંભીર ખુલાસો થયો છે.
ચાકલીયા પોલીસ મથકના બે હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતા હોવાનું જાણવા મળતાં એલસીબી, ઝાલોદ પોલીસ અને ચાકલીયા પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.
તહેવારો અને સરહદી જિલ્લો હોવાના કારણે એલસીબી સહિતની પોલીસ ટીમો દારૂની હેરાફેરી પર ખાસ નજર રાખી રહી હતી. ગતરોજ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી કે ચાકલીયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા અને કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અલ્ટો કારમાં પાયલોટિંગ કરી રહ્યા છે, જ્યારે પાછળ ટાટા પંચ કારમાં હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ વિદેશી દારૂનો જથ્થો લઈને લીમડી તરફ આવી રહ્યા છે.
બાતમી મળતા પોલીસ ટીમોએ વોચ ગોઠવી. અલ્ટો કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ઝડપથી ભાગી ગઈ. ત્યારબાદ ટાટા પંચ કારને રોકવાનો પ્રયાસ કરાયો, પરંતુ તે પણ પૂરઝડપે ભાગી. પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા આગળ જઈ કાર ગટરમાં ઉતરી ગઈ, જેથી કારચાલક હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ કાર મૂકી ફરાર થયો.
પોલીસે કારની તપાસ કરતાં ડિક્કીમાંથી રૂ. 66 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે કાર સહિત કુલ રૂ. 5.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર મામલે બે હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ માટે પોલીસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
Comments
Post a Comment