દાહોદ: રાજસ્થાનના યુવકને દાહોદમાં યુવકો સાથેની મિત્રતા ભારે પડી.
રાજસ્થાનના યુવકને દાહોદમાં ગોંધી રાખી માર માર્યો, પરિવારને વીડિયો કોલ કરીને 50 હજારની ખંડણી માંગીઃ 3 આરોપી ઝડપાયાhttps://www.facebook.com/reel/1976212179607737/
સમાચાર વિગત:
દાહોદમાં મિત્રતાના નામે ખતરનાક ઘટનાનો ખુલાસો થયો છે. રાજસ્થાનના યુવકને દાહોદમાં ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો અને પરિવારને વીડિયો કોલ કરીને 50 હજાર રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પોલીસે સમયસર કાર્યવાહી કરી યુવકને બચાવી લીધો છે અને ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.
મૂળ રાજસ્થાનનો શ્યામલાલ દાહોદમાં ફર્નિચરનું કામ કરવા આવ્યો હતો. આ દરમિયાન તેની દાહોદના શંકર સાંસી સાથે મિત્રતા થઈ હતી. શંકર અવારનવાર શ્યામલાલ પાસેથી પૈસા ઉછીના લેતો હતો અને પરત પણ કરતો હતો. મિત્રતાના વિશ્વાસમાં શંકરે તેને બંગલાનું કામ અપાવવાની લાલચ આપી હતી. એટલું જ નહીં, પોતાની સોનાની વીંટી ગીરવે મૂકવા પણ આપી હતી.
નવું વર્ષ ઉજવવાના બહાને શંકર સાંસી, કૃણાલ સાંસી અને તોશિફ અંસારી શ્યામલાલને એક મકાનમાં લઈ ગયા હતા. ત્યાં ત્રણેયે મળીને તેને પટ્ટાથી માર માર્યો અને રૂપિયા માંગ્યા. ત્યારબાદ વીડિયો કોલ કરીને પરિવારજનોને ધમકી આપી કે રૂપિયા ન આપો તો તેને મારી નાખી લાશ તળાવમાં ફેંકી દેશે.
યુવકે તક જોઈ પોતાનું લોકેશન પરિવારને મોકલ્યું હતું. પરિવારજનો દ્વારા તરત જ દાહોદ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે સ્થળ શોધી યુવકને બચાવ્યો અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી.
દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું કે, પૈસાની લેતીદેતીને લઈને યુવકને બોલાવી માર મારવામાં આવ્યો હતો અને ખંડણી માંગવામાં આવી હતી. હાલ ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Comments
Post a Comment