SC-ST ક્વોટાની અંદર ક્વોટાના સુપ્રીમના નિર્ણયને મોદી સરકાર બદલશે?
શું SC-ST ક્વોટાની અંદર ક્વોટાના સુપ્રીમના નિર્ણયને મોદી સરકાર બદલશે?
નવી દિલ્હી : અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) ક્વોટાની અંદર ક્વોટાની તરફેણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર દેશભરમાં રાજકીય ઉથલપાથલ મચી છે. દલિત સમાજે સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાનો વિરોધ કર્યો છે. માયાવતી, ચંદ્રશેખર આઝાદ, ચિરાગ પાસવાનના પક્ષે 21 ઑગસ્ટે સમગ્ર દેશમાં ભારત બંધનું એલાન જાહેર કર્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયના અમલમાં એનડીએના સહયોગી પક્ષોએ દખલગીરી કરવા મોદી સરકારને વિનંતી કરી છે. આ સાથે ST/SC સમુદાયો સાથે જોડાયેલા લોકસભા અને રાજ્યસભાના BJP સાંસદોએ આજે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ સાંસદોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમના ચૂકાદાનો અમલ નહીં થાય તેવું આશ્વાસન આપ્યું હોવાનું મનાય છે.
સાંસદોએ સંયુક્તપણે એસટી/એસસી માટે ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી અંગે મેમોરેન્ડમ સબમિટ કર્યું અને માંગણી કરી કે આ ચુકાદો આપણા સમાજમાં લાગુ ન થવો જોઈએ. પીએમએ તેમને આશ્વાસન આપ્યું કે તેઓ આ મામલાની તપાસ કરશે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ચિરાગ પાસવાન અને રામદાસ આઠવલેએ પણ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. ચિરાગ પાસવાને કહ્યું હતું કે, 'તેમની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) આ નિર્ણય સામે અપીલ કરશે.'
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં આ વાત કહી હતી
સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટના રોજ આપેલા ચુકાદામાં કહ્યું હતું કે, 'રાજ્યોને અનુસૂચિત જાતિમાં પેટા-વર્ગીકરણ કરવાનો બંધારણીય અધિકાર છે, જેથી જે જાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે વધુ પછાત છે તેમને અનામત મળી શકે.' આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યોએ 'ઇચ્છા' અને 'રાજકીય યોગ્યતા'ના આધારે નહીં, પરંતુ પછાતપણા અને સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વના 'માત્રાત્મક અને પ્રદર્શિત ડેટા'ના આધારે અનુસૂચિત જાતિમાં પેટા-વર્ગીકરણ કરવું પડશે.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'એક વખત SC/ST માટે આરક્ષિત બેઠક પરથી ધારાસભ્ય સાંસદ બની જાય છે, તે ક્રીમી લેયર બની જશે અને ફરીથી તે બેઠક પરથી ચૂંટણી લડી શકશે નહીં. સંસદ અને વિધાનસભામાં વંચિત સમુદાયના લોકોનું પ્રતિનિધિત્વ પણ ઘટશે.
Comments
Post a Comment