નીતા ચૌધરીને સુરેન્દ્રનગર જિલ્લામાંથી કેવી રીતે પકડી પાડવામાં આવ્યાં?

 નીતા ચૌધરીને સુરેન્દ્રનગર જિલ્લામાંથી કેવી રીતે પકડી પાડવામાં આવ્યાં?

કચ્છમાં સીઆઈડી ક્રાઇમનાં સસ્પેન્ડ કરવામાં આવેલાં મહિલા પોલીસ કૉન્સ્ટેબલ નીતા ચૌધરી છેલ્લા કેટલાક દિવસોથી ફરાર હતા. જોકે, ગુજરાત ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડે(એટીએસ) મંગળવારે લિંબડી પાસે આવેલ ભલગામડા ગામેથી અટકાયત કરી હતી.



બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવાએ આપેલી માહિતી પ્રમાણે, કથિત બુટલેગર યુવરાજસિંહના સંબંધીઓ દ્વારા તેની (નીતા ચૌધરી) રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.


અહીં ઉલ્લેખનીય છે કે નીતા ચૌધરી બુટલેગર યુવરાજસિંહ સાથે દારૂની હેરફેર કરતા પકડાયાં હતા. નીતા ચૌધરી અને યુવરાજસિંહ જાડેજાએ કથિતપણે છ પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ કચ્છની પોલીસે 30 જૂને તેની ધરપકડ કરી હતી. જોકે, નીતા ચૌધરી ત્યાંથી નાસી છૂટ્યાં હતાં. એટીએસે ગઈકાલે લિંબડી પાસે આવેલ ભલગામડામાંથી તેની ફરીથી ધરપકડ કરી હતી.


આ વિશે લીંબડી ડીવીઝનના ડીવાયએસપી વી. એમ. રબારીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.


તેમણે જણાવ્યું, "આ મહિલા કૉન્સ્ટેબલ એક બુટલેગર સાથે દારૂના જથ્થા સાથે કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયાં હતાં. ત્યારબાદ મહિલા કૉન્સ્ટેબલને જામીન મળ્યા હતા. જોકે, પોલીસે તેમના જામીનને રદ કરાવવામાં સફળતા મળી હતી, પરંતુ તે ત્યાંથી નાસી છૂટ્યાં હતાં."


ડીવાયએસપી વી. એમ. રબારીએ વધુમાં જણાવ્યું, "કાલે સાંજે સમાચાર વહેતા થયા હતા કે એટીએસની ટીમે નીતા ચૌધરીની લિંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના ભલગામડા ગામમાંથી ધરપકડ કરી હતી. એટીએસની ટીમ તેને લઈને જતી રહી છે. એટીએસનો અમારી ટીમ સાથે કોઈ સંપર્ક ન હતો. જોકે, પાછળથી જાણકારી મળી હતી કે બુટલેગર યુવરાજસિંહના સગાના ઘરે તે (નીતા ચૌધરી) રોકાઈ હતી. અમને હાલમાં આગળની કાર્યવાહી કરવા બાબતે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. અમને જો કોઈ આદેશ આપવામાં આવશે તો અમે તે પ્રમાણે કાર્યવાહી હાથ ધરીશું."


જાણીતા કાયદાશાસ્ત્રી રાજુભાઈ શુક્લ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “જ્યારે નીતા ચૌધરીના જામીન સેશન્સ કોર્ટે રદ કર્યા એટલે ન્યાયપ્રક્રિયાને માન આપવા માટે તેમણે પોલીસ સમક્ષ હાજર થવું પડે. તેઓ હાજર ન થયા એટલે તેઓ સામાન્ય ભાષામાં ફરાર જ કહેવાય.”

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર