6 રૂપિયા વ્યાજ સાથે વસૂલવા નોટિસ: AMCની ટાર્ગેટ પૂરો કરવા આડેધડ નોટિસ, બાકી ટેક્સ ન ભરતા પાણી-ગટર કનેક્શન કાપવાની ચીમકી
લો બોલો... 6 રૂપિયા વ્યાજ સાથે વસૂલવા નોટિસ: AMCની ટાર્ગેટ પૂરો કરવા આડેધડ નોટિસ, બાકી ટેક્સ ન ભરતા પાણી-ગટર કનેક્શન કાપવાની ચીમકી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા બાકી પ્રોપ્રટી ટેક્સ ધારકો પાસેથી ટેક્સ વસૂલાત માટેની સઘન ઝૂંબેશ ચાલી રહી છે. જેમાં બાકી બિલ ધારકોને નોટિસ ઉપરાંત સીલિંગ કાર્યવાહી કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગના કર્મચારીઓએ નારણપુરાના સરદાર પટેલનગરમાં એક મકાનનું વર્ષ 2023-24નું માત્ર 6 રૂપિયા બાકી બિલ ભરવા તેને છેલ્લી ચેતવણીની નોટિસ આપી દીધી હતી. જો કે, પાછળથી આ ભૂલ સમજાતા ટેક્સ વિભાગ દ્વાર નોટિસ પર લઇ લેવામાં આવી હતી. પરંતુ જે રીતે સીલિંગ અને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ હવે ટાર્ગેટ પૂરો કરવા આડેધડ નોટિસ ફટકારી રહ્યા છે.
6 રૂપિયા માટે છેલ્લી ચેતવણીની નોટિસ
મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા જે પણ પ્રોપર્ટી ટેક્સ ધારકનું રૂપિયા 500 અને 1,000થી વધુનું બિલ બાકી હોય તેમને છેલ્લી ચેતવણી અને પાણી-ગટરનું કનેક્શન કાપવા સુધીની નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા નારણપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલનગરમાં રહેતા મનુભાઇ ગોહિલ નામના વ્યક્તિને પ્રોપર્ટી ટેક્સનું બાકી બિલ માત્ર 6 રૂપિયા માટે છેલ્લી ચેતવણીની નોટિસ આપી હતી. જેમાં લખ્યું હતું કે, જો રૂપિયા 6 + વ્યાજ ત્રણ દિવસમાં નહીં ભરવામાં આવે તો પાણી તેમજ ગટરનું કનેક્શન કાપી નાખી જાહેર હજારી સુધીની પ્રક્રિયા કરવામાં આવશે. આ બિલ મળતાની સાથે જ મનુભાઇ ચોંકી ઉઠ્યા હતા.
ગ્રાહક તાત્કાલિક બિલ ભરવા દોડ્યા
જો કે, માત્ર છ રૂપિયાનું બિલ બાકી હોવાથી તેઓ તાત્કાલિક ધોરણે બાકી પ્રોપર્ટી ટેક્સના છ રૂપિયા ભરી દીધા હતા. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે કે, એક તરફ 500થી એક હજાર રૂપિયાથી વધુનું જ્યારે બિલ બાકી હોય તેવા લોકોને નોટિસ આપવાની અને પાણી તેમજ ગટરનું કનેક્શન કાપવા માટેની નોટિસ આપવામાં આવે છે. પરંતુ જ્યાં મોટા ટેક્સ બાકી છે ત્યાં જઇ અને તેનું સીલ મારી પૈસા વસૂલ કરવાની એકપણ અધિકારી કે કર્મચારી દ્વારા કામગીરી કરવામાં આવતી નથી.
Comments
Post a Comment